ખમીરી અને દિલની અમીરીના ઝળહળતા ઈતિહાસ જ્યાં પગલે-પગલે સાંભળવા મળે એવો રળિયામણો કચ્છ-વાગડ પ્રદેશ. એના પ્રવેશદ્વાર સમા સોહામણા સામખીયાળી-ભચાઉ હાઈવે પર વોંઘ રેલ્વે સ્ટેશન માર્ગના વિશાળ ભૂમિખંડ પર જાણે સ્વર્ગનું અવતરણ ન થયું હોય તેવું નવનિર્મિત સુરમ્ય સંકુલ શ્રી નમસ્કાર તીર્થ.
પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજાનું એક સ્વપ્ન હતું કે વાગડની ભૂમિ ઉપર શ્રી વાગડ વિશા ઓશવાળ સમાજનું એક અલૌકિક તીર્થ નિર્માણ પામે જ્યાં મોટી સંખ્યામાં સમગ્ર વાગડ અને બહારના દર્શનાર્થી યાત્રાળુઓ દેવવંદન, સેવા-પૂજા, ધર્મધ્યાન આદિ ક્રિયાઓનો લાભ લઈ શકે અને વિહારમાં વિચરતા સાધુ-સાધ્વીજી ભગવંતોને સ્થિરતા મળે. તેમના દેવલોક વાસ બાદ સન-૨૦૦૮ માં ભચાઉ મુકામે આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરિજી મ.સા.ના ચાતુર્માસમાં પર્યુષણ પર્વની ઉજવણી દરમ્યાન શ્રી ચાંપશી પુનશી ફુરિયા (ભચાઉ) શ્રી વિનય મેઘજી નીશર (ધાણીથર) શ્રી રવજી પાલણ ગડા (ભચાઉ-નવાગામ) એમણે અઠ્ઠાઈ તપની આરાધના કરેલ. આ સમય દરમ્યાન ચાંપશીભાઈ ફુરિયા ૫.પૂ.સા.શ્રી શરદપૂર્ણાજી મ.સા. (લખુ મહારાજ) ના સંપર્કમાં આવ્યા ત્યારે તેમણે નવી ભચાઉ મુકામે નાનું દેરાસર નિર્માણ કરવાની પોતાની ભાવના દર્શાવી.
તેમના અંતરની ઈચ્છા સાથે આ વાત પૂ.આ.ભ.શ્રી વિજય કલાપ્રભસૂરિજી અને વિ.કલ્પતરૂસૂરિજી મ.સા. સમક્ષ મૂકવામાં આવતાં તેમણે કહ્યું કે સામખીયારી અને ભચાઉની વચ્ચે લાંબુ અંતર છે. એ રસ્તા ઉપર દેરાસર-ઉપાશ્રયની જરૂરત છે, જો તમે એ બાબતે પ્રયત્નો કરો તો ઉત્તમ રહેશે.
ત્યાર પછી તેમણે તેમના મિત્રો શ્રી વિનય મેઘજી નીસર (ધાણીથર) શ્રી મેઘજી ભીમશી નીસર (સામખીયારી) શ્રી મોતીલાલ જેઠાલાલ ગડા (સામખીયારી) સાથે મળીને જગ્યા જોવાનું શરૂ કર્યું. ઘણી જગ્યાઓ જોયા બાદ વોંધ રેલ્વે સ્ટેશનની સામે રામદેવ પીર ધામની બાજુમાં જગ્યા પસંદ આવતાં સાહેબજીએ સહમતી આપી અને ચારે મિત્રોએ મળીને જગ્યાની ખરીદી કરી. હવે ચાંપશીભાઈ ફુરિયાએ ચારેય મિત્રોને કીધું કે તમે મંજુરી આપો તો આ ભૂમિનું દાન માતુશ્રીના નામે સંઘને સમર્પણ કરવાની મારી મહેચ્છા છે. બધા મિત્રોએ મોટું મન રાખીને તેમની વિનંતીને માન્ય રાખી.
ત્યારબાદ તરત જ રવજી પાલણ ગડા પરિવાર તરફથી આ. ભગવંતની નિશ્રામાં ૪૫ સાધુ ભગવંતો અને ૧૦૦ થી વધુ સાધ્વીજી સાથે વિશાળ સંખ્યામાં શ્રાવક- શ્રાવીકાઓથી શોભતો ભચાઉ-નવાગામથી કટારિયાજી તીર્થે છ'રિ પાલિત સંઘ નીકળ્યો. આ સંઘે એ ભૂમિ પર રોકાણ કર્યું. જે જગ્યા પર આચાર્ય ભગવંતના પાવન પગલા થયા અને વાસક્ષેપ પ્રદાન કરવામાં આવી તે જ જગ્યાએ દેવ વિમાન જેવા જિનાલયનું નિર્માણ કરવાનું નક્કી થયું.
સંવત ૨૦૧૧ માં આધોઈ (શાહુનગર) મુકામે શ્રી વાસુપૂજ્ય જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગુરૂ ભગવંતોની હાજરીમાં શ્રી સીમંધરસ્વામી વાગડ વિશા ઓશવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ (રજિ.) નામની અને શ્રી સીમંધરસ્વામી ભગવાનને મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવાની જય બોલાવવામાં આવી ઉપરાંત તીર્થ નિર્માણ કમિટીની રચના કરવામાં આવી જેની જાહેરાત ગુરુ ભગવંતો તેમજ શ્રી સંઘોની હાજરીમાં શ્રી રવજી પાલણ ગડા દ્વારા કરવામાં આવતાં આધોઈના ધર્મપ્રેમી વડીલ શ્રીમાન માલજી મેઘજી ચરલાએ કમિટીને આશીર્વાદ આપીને બીરદાવી અને કહ્યું કે ગુરૂદેવનું સ્વપ્ન પૂર્ણ કરવાની અમારી ભાવના હતી જ પણ આ યુવા કમિટીએ કાર્ય પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું છે તે ખરેખર શાસન અને ધર્મ માટે સારી ઘટના છે.
૨૧ જણની કમિટી બની જેમાંથી પૂજ્યશ્રી કલ્પતરૂ વિજયજી મ.સા.એ શ્રીમાન ચંદુલાલ કલ્યાણજી સાવલા (મનફરા) ને આ ભગીરથ કાર્યના નિર્માણ માટે મુખ્ય ભૂમિકા ભજવવાની જવાબદારી સોંપી ને ભારપૂર્વક જણાવ્યું કે તમારે પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી તમારે સેવાદાન આપવાનું છે જેને ચંદુભાઈ સાવલાએ તહતી કહીને આદેશનો સ્વીકાર કર્યો તેમની સુઝબૂઝ અને કાબેલિયતના પરિણામ રૂપે આજે સમાજના ઘરેણારૂપ, યુગો યુગો સુધી શાસનગાથા ગાનારું જિનાલય અને તીર્થ સંકુલ નિર્માણ પામ્યું છે તે આપણે બધા જોઈ શકીએ છીએ. આ કાર્યમાં ચંદુભાઈ સાવલા અને શ્રી વિનય મેઘજી નીસર, શ્રી રવજી પાલણ ગડા, શ્રી મૂલચંદ જેઠાલાલ ગાલા, શ્રી લાલજી કરસન કારીઆ તથા સમસ્ત કમિટી સભ્યોએ તન-મન-ધનથી સમર્પિત થઈ ખભે-ખભા મિલાવી પાર પાડવામાં શાસન પ્રત્યેની નિષ્ઠા દાખવી. ૨૧ જણની કમિટીમાંથી શ્રીમાન રવજી ગેલાભાઈ ગાલા (લાકડીયા) નું અણધાર્યું દુઃખદ અવસાન થતાં એક કર્મઠ સેવકની ખોટ પડી.
એવું બેનમૂન શ્રી નમસ્કાર મહાતીર્થ આ પ્રકારનો ઈતિહાસ ધરાવે છે. આ તીર્થનો મહિમા અનેરો હશે આપણે આપણા પરમ ઉપકારી ગુરૂદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરિના સોનલ સ્વપ્નને પૂર્ણ કરી શક્યા તેમાં એમના દિવ્ય આશીર્વાદ આપણી સાથે જ છે તે વિના આટલું મહાકાર્ય પાર પાડવું શક્ય જ નથી. આજે દેવલોકથી ગુરૂદેવની કૃપાદૃષ્ટિ વાગડ ભૂમિ પર વરસી રહી છે.
આવો આપણે ઈતિહાસના સાક્ષી બનીએ. આવનારા પ્રતિષ્ઠા મહોત્સવના વધામણા કરીએ સંકુલમાં પ્રવેશતાં જ હૃદય અને નેત્રોને પુલકિત કરી દે તેવો, વિહરમાન ભગવાન શ્રી સીમંધર સ્વામીની દિવ્ય ઉર્જાને ચોમેર પ્રસરાવતો નકશીદાર, નયનરમ્ય, ગગનચુંબી દ્વિભૂમિય શ્રી સીમંધર જિન પ્રાસાદ... જેનું નિર્માણ બહારથી બંસીપાલના પિંકસ્ટોન અને અંદરથી મકરાણાના વ્હાઈટ મારબલથી થયું છે.
ગુલાબીરંગ દ્વારા દિવ્યપ્રેમનું અને સફેદ રંગ દ્વારા શાંતિનું પ્રતિનિધિત્વ કરતો આ દિવ્યપ્રસાદ, સુખ માટે જ્યાં ને ત્યાં ફાંફાં મારતાં સૌને દિવ્યસંદેશો આપી રહ્યો છે કે- 'સાચા સુખ-શાંતિ-પ્રેમ-સમૃદ્ધિ ની તમે જે ઈચ્છા રાખો છો તે માત્રને માત્ર વીતરાગ પરમાત્માના ચરણોમાં જ મળશે.'
આખાય શ્રી નમસ્કાર તીર્થના હાર્ટ સમા ૫૧" ના મૂળનાયક સાક્ષાત્ શ્રી સીમંધરસ્વામી ભગવાન આંખો સ્થિર થઈ જાય અને પગ થંભી જાય એવા મનોહર છે.ડુપ્લેક્ષ સ્ટાઈલથી નિર્મિત આ ભવ્ય જિનાલય સંધ્યા પછી તો ઝળાહળ દેવવિમાન જેવું દેખાય છે.
જે તારક ગુરુદેવના દિવ્ય આશીર્વાદથી આ શ્રી નમસ્કાર તીર્થ સંકુલ નિર્માણ થવા પામ્યું છે એ અધ્યાત્મયોગી ગુરુદેવ પ.પૂ.આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાનું મનમોહક ગુરુમંદિર તથા જેનું નામ ધારણ કરી આ તીર્થ ગૌરવાન્વિત બન્યું છે એવા જીવમાત્રને પરમ કલ્યાણકારી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ, જાપ અને ધ્યાન કરી શકાય એવું હાઈટેક મેડિટેશન ભવન ભાવિ નિર્માણાધીન છે. સંયમ જીવનને અનુરૂપ સુચારુ રીતે બંધાયેલ શ્રાવક ઉપાશ્રય તથા શ્રાવિકા ઉપાશ્રય આરાધનામાં ઉત્સાહ વધારે તેવા છે.
યાત્રિકોના ઉતારા માટેનું શાહી યાત્રિક ભવન તથા જયણાપૂર્વક સ્વાદિષ્ટ રસવંતી પીરસતી ભોજનશાળા નવી પેઢીને પણ વારંવાર આવવાનું મન થાય તેવા છે. વિહરમાનદેવનું આ રાજસંકુલ વિચરતા અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ વિહારમાં શાતા અને આરાધનામાં બળ પુરું પાડશે.
એકવાર તમે જો આવશો તો સાચ્ચે, તમે પણ મોહાઈ જશો... ખરેખર.